અમદાવાદ: મંગળવારે રાતે લગભગ બે હજાર લોકોનું ટોળું ગુલમહોર, એક્રોપોલીસ, હિમાલયા મોલ અને આલ્ફા વન મોલ પહોંચ્યું હતું અને તોડફોડ કરી હતી. સૌથી વધુ તોડફોડ અને આગચંપી હિમાલયામાં મોલમાં થઈ હતી. પદમાવત ફિલ્મની રીલિઝ સામે વિરોધ કરી રહેલા રાજપૂત સંગઠનો દ્વારા અહીં 50થી વધુ વાહનોને આગચંપી અને મોલમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી હતી. જે બાદ આજે બુધવારે સવારે હિમાલયા મોલની બહાર આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.

બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી
ગુલમહોર, પીવીઆર, હિમાલયા અને આલ્ફા વન મોલમાં સંખ્યાબંધ વાહનોને આગચંપી કરી ભારે પથ્થરમારો કરી નિર્દોષ નાગરિકોના વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હતી. હિમાલયા મોલમાં આ ટોળાંએ ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસે ઘાટલોડીયા પીએસઆઈ વી. આર. પટેલે તેમને રોકવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. છતાં તોફાને ચઢેલા ટોળાએ સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. સંખ્યાબંધ પોલીસ તમામ મોલની બહાર ખડકી દેવામાં આવી હતી. રસ્તાઓ બંધ કરી દેવાની પોલીસને ફરજ પડી હતી. લોકો ટોળાંની અડફેટે આવે નહીં તે માટે રસ્તાઓ પણ બંધ કરી દેવાયા હતા.