India / sports
કોહલીએ અંતે વિકેટ ખેરવી જ દીધી...કોચ પદેથી કુંબલેનું અચાનક રાજીનામું...''અહીંથી જતું રહેવું જ મારા માટે સારું છે''
01:25 PM on 21st June, 2017

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ગએલી ટીમ ઇન્ડિયાના કોચ પદે અનિલ કુંબલેને યથાવત રાખવાના બીસીસીઆઇનો નિર્ણય હજુ તો સમાચાર બન્યો ન બન્યો અને નવો સમાચાર આવી ગયો...કુંબલેનું રાજીનામું.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ અનિલ કુંબલે વચ્ચેના મતભેદ ઉગ્ર મનભેદ બન્યા હતા અને આ મનભેદ એ હદે પહોંચ્યા હતા કે,કાં તો એ,કાં તો હું...અને વિરાટની આ જીદે કુંબલેનો ભોગ લઇ લીધો.એવું કહેવામાં આવી રહ્યું છે કે,અનિલ કુંબલેની કામ લેવાની પદ્ધતિ માત્ર કોહલીને જ નહીં પુરી ટીમને પસંદ ન હતી.

એવી વાત પણ છે કે,વિરાટ અને અમુક ખેલાડીઓ કોચ તરીકે રવિ શાસ્ત્રીને પસંદ કરે છે અને ઇચ્છે પણ છે.કુંબલે કોચ બન્યો તે પહેલાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાનો ડાયરેક્ટર બનાવાયો હતો અને રવિ શાસ્ત્રી સાથે ખેલાડીઓ ખુશ હતા પણ મુખ્ય કોચ તરીકે શાસ્ત્રી ઇન્ટરવ્યુમાં પાસ ન થયો અને કોચની જગ્યા કુંબલેને મળી ગઇ.

એવું કહેવામાં આવે છે કે,કુંબલેનું વલણ કડક અને ઉગ્ર હતું તો રવિ શાસ્ત્રી બહુ નરમ રીતે કામ લેતો હતો અને ખેલાડીઓને પુરી સ્વતંત્રતા આપતો હતો.

જે રીતે કુંબલેને કોચ પદેથી રાજીનામું આપવું પડ્યું તે અમુક પૂર્વ ક્રિકેટરોને યોગ્ય નથી લાગ્યું.સુનિલ ગાવસ્કરે કહ્યું કે,ટીમ ઇન્ડિયાને જો એવો કેલાડી જોઇતો હોય જે તેમને શોપિંગ માટે જવા દે તો કુંબલે તેમના માટે યોગ્ય ન હતો. એક ટેલિવિઝન ચેનલ સાથેની વાતમાં ગાવસ્કરે કહ્યું કે,કુંબલેનું રાજીનામું બારતીય ક્રિકેટ માટેનો ખરાબ દિવસ છે.

 

પૂર્વ ક્રિકેટર મદનલાલે કહ્યું કે,ટીમ ઇન્ડિયા કુંબલે જેવા કોચને લાયક નથી.ટીમ ઇન્ડિયાને સંજય બાંગડ જેવો કોચ જોઇએ જે મોઢું જ ન ખોલે.

ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં મદનલાલે કહ્યું કે,ડ્રેસિંગરૂમમાં જો કુંબલેનું સ્વાગત કરવામાં ન આવતું હોય તો તેમે કોચ પદ પર રહેવાની જરૂર જ ન હતી.ટીમ ઇન્ડિયામાં ક્યારેય પણ એવા કોચને પસંદ કરવામાં નથી આવતો.જે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય ધરાવતો હોય.અથવા કેપ્ટન વિચારે તેના કરતાં અલગ વિચારતો હોય.

નિશાનેબાજ અભિનવ બિંદ્રાએ ટ્વિટ કર્યું અને તેમાં લખ્યું કે,મારા સૌથી મોટા ગુરૂ મારા કોચ હતા.હું તેને નફરત કરતો હતો પણ તેમ છતાં હું 20 વર્ષ તેમની સાથે રહ્યો.તે હંમેશા તે વાત જ કહેતા જે હું સાંભળવા ન ઇચ્છતો.

અનિલ કુંબલેએ ગઇકાલે રાજીનામું આપ્યા પછી ટ્વિટ કર્યું હતું કે,''કોચ એપોઇન્ટમેન્ટ કમિટિનો હું આભારી છું.જેણે મારા પર વિશ્વાસ મૂક્યો અને મુખ્ય કોચ તરીકે ચાલુ રહેવા કહ્યું.છેલ્લા એક વર્ષની ઉપલબ્ધિયોનું શ્રેય કેપ્ટન,પુરી ટીમ,કોચિંગ અને સપોર્ટિંગ સ્ટાફને આપીશ''

કુંબલેએ આગળ લખ્યું કે,''મને કાલે બીસીસીઆઇએ પહેલીવાર કહ્યું કે,મારી શૈલી અને કોચ પદે મારા યથાવત રહેવાથી કેપ્ટન કોહલીને પરેશાની છે.આ વાતથી હું આશ્ચર્યચકિત હતો.કારણ કે,મેં તો  કેપ્ટન અને કોચની ભૂમિકા વચ્ચેની મર્યાદાનું સમ્માન કર્યું છે.

મારા અને કેપ્ટન વચ્ચેની ગેરસમજ દૂર કરવા બીસીસીઆઇએ કોશિશ કરી પણ હું માનું છું કે,અહીંથી જતું રહેવું જ મારા માટે સારું છે.''

''વ્યવસાયિકતા,શિસ્ત,પ્રતિબદ્ધતા,પ્રમાણિકતા,કૌશલ અને જુદા જુદા વિચાર મહત્વપૂર્ણ છે.મેં આ બાબતો જ સામે રાખી.ભાગીદારીનો પ્રભાવ જોવા મળ્યો તેથી તેનું મૂલ્યાંકન જરૂરી છે.હું વિચારું છું કે,ટીમના હિતમાં આત્મસુધાર કરવા માટે અરીસો લઇને ઉભું રહેવું તે કોચની ભૂમિકા છે.''

''આ જ 'આપત્તિ'ને કારણે મને લાગે છે કે,આ જવાબદારી ક્રિકેટ સલાહકાર સમિતિ અને બીસીસીઆઇને સોંપી દેવી જોઇએ.તેઓ જેને યોગ્ય સમજે તેને જવાબદારી સોંપે''.


 
 

Read Also

 
Related News