ઉત્તર કોરિયાની અમેરિકાને ઉગ્ર ચેતવણી... વધુ કડક પ્રતિબંધો લગાવવા જીદ કરશે તો ભારે કિમંત ચુકવવી પડશે અને એવી પીડા ભોગવવી પડશે જે ક્યારેય સહન ન કરી હોય !
ઉત્તર કોરિયાના હાઇડ્રોજન બૉંબ પરીક્ષણથી ગુસ્સે થએલું અમેરિકા ઉત્તર કોરિયા પર વધુ આકરા પ્રતિબંધો લાદવા વિચારી રહ્યું છે.અમેરિકાના આ વલણથી ઉશ્કેરાએલા ઉત્તર કોરિયાએ ધમકી આપતા કહ્યું છે કે,તેના પર વધુ આકરા પ્રતિબંધ લાદવાની જીદ પર અમેરિકા અડગ રહેશે તો તેણે તેની ભારે કિંમત ચુકવવી પડશે.
ઉત્તર કોરિયાએ હાલમાં જ છઠ્ઠું પરમાણઉ પરીક્ષણ કર્યું તેનાથી હવે અમેરિકા ધીરજ ગુમાવી બેઠું છે.ઉત્તર કોરિયા અમેરિકાની કોઇ વાત માનતું ન હોવા છતાં પ્રેસિડેન્ટ ટ્રંપે કહ્યું છે કે,ઉત્તર કોરિયા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીને તેઓ પ્રાથમિકતા નથી આપતા પણ જો એવું બનશે તો તે દિવસ ઉત્તર કોરિયા માટે સૌથી ખરાબ દિવસ હશે.ઉલ્લેખનિય છે કે,ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો લાદવા માટે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મતદાનની વિનંતી કરી છે અને તેથી ઉત્તર કોરિયા રઘવાયું બન્યું છે.

ઉત્તર કોરિયા પર પ્રતિબંધ મૂકવા માટેનો એક મુસદ્દો અમેરિકાએ તૈયાર કરી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિતરીત કર્યો હતો.આ મુસદ્દામાં અમેરિકાએ કહ્યું છે કે,ઉત્તર કોરિયા ખનીજ તેલ અને કુદરતી ગેસની નિકાસ કરે છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ઉત્તર કોરિયાની સરકાર અને તેના નેતા કિમ જોંગની બધી વિદેશની આર્થિક સંપત્તિઓ જપ્ત કરવામાં આવે.
ઉત્તર કોરિયાની સરકારી સમાચાર સંસ્થાએ કહ્યું છે કે,ઉત્તરો કોરિયાના વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવાયું છે કે,ઉત્તર કોરિયા પરના કડક પ્રતિબંધો અંગેના ગેર કાનૂની મુસદ્દાને જો મંજૂરી મળી જશે તો અમેરિકાને તેની ભારે કિંમત ચુકવવી પડશે.અમેરિકાએ એવી પીડામાંથી પસાર થવું પડશે જે તેણે તેના ઇતિહાસમાં ક્યારેય સહન નહીં કરી હોય.