હજુ તો 'ઓખી' આવ્યું નથી અને બંગાળની ખાડીમાં નવું એક વાવાઝોડું બની રહ્યું છે
'ઓખી' વાવાઝોડું નબળું પડી રહ્યું છે અને અતિ ભયંકરમાંથી ભયંકરની સ્થિતિમાં આવ્યું છે.'ઓખી' મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે સાંજથી મધરાત સુધીમાં ત્રાટકવાની શકયતા છે.'ઓખી' આવીને વિનાશ વેરી વિદાય લે તે પહેલાં બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું બની રહ્યું હોવાનું હવામાન વિભાગે કહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, 'ઓખી' વાવાઝોડું મુંબઇથી દક્ષિણ-પશ્ચિમમાં 670 કિલોમીટર દૂર છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 'ઓખી'ના આગમન પહેલાં વરસાદી વાતાવરણ બની ગયું છે.ગુજરાતમાં સુરતના દરિયામાં આજે મધરાતે 'ઓખી' પહોંચવાનું છે.હવામાન વિભાગનું કહેવું છે કે,'ઓખી' ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.અગાઉ તેને અતિ ભયંકરની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું પણ હવે તેને ભયંકરની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.આજે મધરાતે સુરત પહોંચતા પહેલાં 'ઓખી' કેટલું નબળું પડે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલું અને કેવું નુકસાન કરે છે તે જોવું જ રહ્યું.
ચિંતાની વાત એ છે કે,'ઓખી' ના પગલે પગલે બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણનું બીજું એક ક્ષેત્ર બની રહ્યું છે.હવામાન વિભાગનું કહેવું છે કે,પૂર્વ કિનારા પર બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની આશંકા છે.બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં એક ઓછા દબાણવાળું ક્ષેત્ર બની રહ્યું છે.જે તોફાન બની બુધવારે તમિળનાડુ અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે.