સૈન્ય પોલીસમાં 800 મહિલાઓની ભરતી કરાશેઃરક્ષામંત્રી નિર્મલા સીતારામનનો નિર્ણય
સેનામાં પણ પોલીસ હોય છે...સેનાને પોતાની પોલીસ હોય છે.નિર્મલા સીતારામને રક્ષામંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યાના બીજા જ દિવસે ઘોષણા કરવામાં આવી છે કે,સેનાની પોલીસમાં 800 મહિલાની ભરતી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે,સેનાને પોતાની પોલીસ હોય છે જે સેનાની છાવણીઓ અને થલસેનાના એકમોની રક્ષા કરે છે, નિયમો અને કાયદાનું ઉલ્લંઘન કરતાં સૈનિકોને રોકવા અને યુદ્ધ તથા શાંતિના સમયમાં વ્યવસ્થા સંબંધિત બધી જવાબદારીઓ આ પોલીસ સંભાળે છે.આ ઉપરાંત અન્ય જવાબદારીઓ પણ હોય છે.
સેનાના પોલીસદળમાં 800 મહિલાઓની ભરતીના નિર્ણયને ભારતીય સેનામાં લિંગભેદનો અંત લાવવાની દિશામાં મહત્વનું અને મોટું પગલું માનવામાં આવી રહ્યો છે.

થલસેનાના અધિકારી અશ્વિન કુમારે જાણકારી આપી કે,આ યોજના હેઠળ સૈન્ય પોલીસમાં 800 મહિલાને ભરતી કરવાની છે.જેમાં દર વર્ષે 52 મહિલાની ભરતી કરવામાં આવશે.
એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે,અમુક મહિલા પોલીસને ક્રમશઃ કાશ્મીરમાં નિયુક્ત કરવામાં આવશે.જેથી મહિલાઓની અંગજડતી જેવા કામ તેઓ કરી શકે.સૈન્ય પોલીસમાં મહિલાઓની ભરતીના કારણે લૈંગિક અપરાધોના આરોપોની તપાસમાં મદદ મળશે.
ઉલ્લેખનિય છે કે,હાલમાં પણ સેનામાં મહિલાઓ કામ કરે છે પણ તેમના ક્ષેત્રો મેડિકલ,કાનૂની,શૈક્ષણિક,સિગ્નલ અને એન્જિનિયરિંગ છે.