India / gujarath
ચૂંટણી માટેના ઉમેદવારો જાહેરઃ અસલિયત, વિદ્રોહ અને સત્તા લાલસાના ખૂલતા પત્તા અને વ્યક્ત થતી વૃતિઓ-વિકૃતિઓ-રાજનેતાની પ્રકૃતિઓઃ પક્ષની વિચારધારા,શિસ્ત,સમાજનું કલ્યાણ જેવા 'ભારે' આદર્શ ડૂબી ગયા, 'હલકા-તુચ્છ' અંગત લાભ ઉપર તરી આવ્યા !
12:24 PM on 20th November, 2017

'અંતે તો હેમનું હેમ હોયે'...અહીં....અંતે તો  લોભનો લોભ જ હોવે ! શું ભાજપના નેતાઓ, કે શું કોંગ્રેસના નેતાઓ કે શું પાટીદાર અગ્રણીઓ...સૌની દાઢ સત્તા માટે જ સળકે છે...તે સાબિત થઇ રહ્યું છે.જેને ટિકિટ મળી તે ખુશ છે.જેમને ટિકિટ ન મળી તે વિદ્રોહ કરવાના છે.જે કપાયા છે તે ક્રોધિત છે અને પોતાને મળવી જોઇતી ટિકિટ જેને મળી છે તેની સાત પેઢીને વખોડી રહ્યા છે.ગુજરાતની ચૂંટણીમાં હવે રહી રહીને શરદ પવારે ખેલ પાડ્યો છે.ગુજરાતની બધી પુરેપુરી 182 બેઠકો પર ઉમેદવારો લડાવવાની ઘોષણા NCPએ કરી છે.શિવસેના પણ કૂદી છે.

 

 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેના 77 ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર કર્યા અને કોંગ્રેસ તથા પાટીદાર અનામત સંઘર્ષ સમિતિના એવા અગ્રણીઓ નારાજ થઇ ગયા જેમને ટિકિટ નથી મળી. પક્ષના કાર્યકર અને સિપાહી હોવાની વાતો કરતા કોંગ્રેસના નેતાઓ અને પાટીદાર સમાજના કલ્યાણ માટે લડતા હોવાની વાતો કરતા પાટીદાર અગ્રણીઓની રાજનેતા અને ધારાસભ્ય બનવાની લાલસા એક જ સેકન્ડમાં બહાર આવી ગઇ અને અપક્ષ ચૂંટણી લડવાના બૂંગિયા ફુંકી દીધા.સત્તાવાર ઉમેદવારને હરાવવાના સોગંદ ખાઇ લીધા.

કોંગ્રેસે જાહેર કરેલી પ્રથમ તબક્કાની યાદીમાં જેમના નામ નથી તેવા અમુક 'પાસ' કન્વિનર્સ અંતિમવાદી પગલું ભરવા જઇ રહ્યાના અહેવાલ છે.કોંગ્રેસ છોડી સીધા ભાજપમાં અને તે પણ આજે ને આજે જ

પ્રથમ યાદીનો વિરોધ અમરેલી જિલ્લા  કોંગ્રેસમાં પણ શરૂ થયો છે.કોંગ્રેસની યાદીથી નારાજ કોંગ્રેસના અગ્રણીઓ પાટીદારોના સમર્થનથી જિલ્લીના પાંચેય બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે.

 

 

જૂનાગઢ 'પાસ' ના કન્વિનર અમિત ઠુંમરને કોંગ્રેસે ટિકિટ આપ્યાનો 'પાસ' ના કાર્યકરો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.ઠુંમરનું પૂતળું પણ સળગાવ્યું અને પાટીદાર સમાજના હિતને જોવાને બદલે ઠુંમર અંગત રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.

કોંગ્રેસે જાહેર કરેલી 77 ઉમેદવારોની યાદીએ કોંગ્રેસ અને 'પાસ'માં આંતરિક ભંગાણ-વિખવાદ-વિગ્રહ અને વિદ્રોહ ઉભા કરી આપ્યા છે.

અત્યાર સુધી નિષ્ક્રિય રહેલી શરદ પવારની NCP અચાનક કેમ સક્રિય બની તે જબરી જિજ્ઞાસા જગવી રહ્યું છે.કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે તેવા સમયે NCPએ ધડાકો કર્યો અને ગુજરાતની તમામ 182 બેઠક પર ઉમેદવારો ઉભા રાખવાની ઘોષણા કરી.NCP ચૂંટણી લડવા લાયક 182 ઉમેદવાર લાવશે ક્યાંથી તે સવાલ છે.બીજો સવાલ એ પણ છે કે,NCP જાતે કૂદી છે કે કોઇના કહેવાથી ? NCPના કહેવાથી કોને લાભ થશે અને કોને નુકસાન ? અન્ય કોને શું લાભ થયો અને શું નુકસાન તે તો પછી ખબર પડશે પણ 182 ઉમેદવાર ઉભા કરીને NCPને શું લાભ થશે ? કોઇના લાભ માટે કોઇને નુકસાન કરાવી,મેળવાતા લાભને શું કહેવાય ?

ખૈર, પક્ષની શિસ્ત,પક્ષના આદર્શ,પક્ષની વિચારધારા અને સમાજસેવા બધું એકબાજુ રહી ગયું છે અને અસલી મકસદ જાહેર થઇ ગયા છે અને જાહેર થઇ રહ્યા છે તેના પર મતદરોએ નજર રાખવી પડશે અને મતદાનના દિવસે આગંળી કયા બટન પર મૂકવી તેનો નિર્ણય કરી લેવા પડશે.


 
 

Read Also

 
Related News