ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટીની રકમ ટેક્સ મુક્ત મળશે !
દેશના ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઇટીની 10 લાખ સુધીની રકમ હાલમાં કર મુક્ત છે પણ સરકાર વિચારી રહી છે કે, ગ્રેચ્યુઇટીની 20 લાખની રકમને કર મુક્ત કરવી.
17 જુલાઇથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં સરકાર એક વિધેયક લાવવા વિચારી રહી છે.જેમાં ગ્રેચ્યુઇટી ચુકવણી કાનૂનમાં સુધારાનો પ્રસ્તાવ છે.કેન્દ્ર સરકારના શ્રમમંત્રીએ કહ્યું કે,આ બાબત અમારા એજન્ડામાં છે.કાનૂનમાં સુધારો કરાયા પછી સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ 20 લાખની કર મુક્ત ગ્રેચ્યુઇટી મેળવવાના હકદાર બનશે.આ બાબતે શ્રમિક સંગઠનોએ પણ સહમતિ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનિય છે કે, કર્મચારીના પગારનો એક ભાગ હોય છે ગ્રેચ્યુઇટી પણ તે દર મહિને નથી મળતી.ગ્રેચ્યુઇટીના પૈસા કાં તો નોકરી છોડો ત્યારે અથવા નિવૃત થાવ ત્યારે એક સાથે મળે છે.ગ્રેચ્યુઇટી ત્યારે જ મળવા પાત્ર બને છે જ્યારે કોઇ કર્મચારી કોઇ કંપની કે સંસ્થામાં પાંચ વર્ષ પુરા કરે.ઉલ્લેખનિય છે કે,કોઇ પણ કંપની,દુકાન,સંસ્થા કે જ્યાં 10થી વધુ લોકો કામ કરતા હોય તે સંસ્થાએ તેના કર્મચારીઓને ફરજિયાતપણે ગ્રેચ્યુઇટીનો લાભ આપવો પડે છે.