7-12ના ઉતારામાં નથી લખ્યું કે,ગુજરાત ભાજપનું છેઃ પાટીદારોને અનામતની કોંગ્રેસે આપેલી formula હાર્દિકને મંજૂરઃ મત નકામો ન જાય તે જોવા પાટીદારોને વિનંતી !
18 ડિસેમ્બર,2017ના દિવસે ગુજરાતમાં જો પોતે સત્તામાં આવે તો પાટીદાર અને અન્ય બિનઅનામત વર્ગોને અનામત આપવા-અપાવવા માટે શું કરશે તેની કોંગ્રેસે તૈયાર કરેલી ફોર્મ્યુલાને હાર્દિક પટેલે મંજૂર કરી છે.આ બાબતની ઘોષણા હાર્દિકે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કરી છે.કોંગ્રેસને મત આપવાની પરોક્ષ હાકલ પણ હાર્દિકે કરી અને પોતે કોંગ્રેસના સમર્થનમાં હોવાનું પણ અડધું પડધું ખુલ્લું કર્યું.

હાર્દિકે આજે મીડિયાને બોલાવ્યું અને કહ્યું કે,પાટીદારો અને બિનઅનામત વર્ગોને ઓબીસી સમકક્ષ બધા લાભો મળે તે માટે કોંગ્રેસે બંધારણની જોગવાઇઓના આધારે એક ફોર્મ્યુલા આપી છે.હાર્દિકે એક પત્ર વાંચ્યો જે મુજબ ગુજરાતમાં જો કોગ્રેસ સત્તા પર આવે તો બંધારણની કલમ બંધારણની કલમ 31 (સી) અને કલમ 46ની જોગવાઇ આધારીત ખરડો લાવશે.બંધારણની કલમ 46માં આ મુજબનો ઉલ્લેખ છે અને 15 (4) અને 16 (4) હેઠળ જેમને લાભ નથી મળ્યો તેમને શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનના સમાન ન્યાય અપાવવા હાલ જે ઓબીસીને લાભો મળી રહ્યા છે તે લાભો માટે કોંગ્રેસ કટિબદ્ધ છે.આ માટે સર્વે કરી તે આધારે અનામતની ખાતરી કોંગ્રેસે આપી છે.
50 ટકાથી વધુ અનામત ન આપી શકાય તેવી વાત બંધારણમાં ક્યાંય નથી.50 ટકાથી વધુ કેમ આપી શકાય કેમ ન આપી શકાય સુપ્રીમે સૂચનો આપેલા છે.કોઇ કાયદો નથી,બંધારણ પણ નથી.અન્ય રાજયોમાં 50 ટકાથી વધુ અનામત આપવામાં આવી છે અને અમુક રાજ્યોમાં તો આ લાભ 15-17 વર્ષ સુધી આપવામાં આવ્યો છે.
ઇબીસી સમયે હાઇકોર્ટે સર્વે કરવા કહ્યું હતું તે સર્વે કોંગ્રેસ કરાવશે,સર્વે જરૂરી છે.ઓબીસી કમિશનને સાથે રાખી સર્વે કરાશે.હાર્દિકે કહ્યું કે,કોંગ્રેસની વાત ગળે ઉતરે છે.કોંગ્રેસે અમારી વાત સાંભળી છે.ભાજપની દાનત જ ખોટી હતી.
હાર્દિકે કહ્યું કે,કોંગ્રેસ અમારી માસીનો દીકરો કે દીકરી નથી.અમે કોંગ્રેસના એજન્ટ કે સમર્થક નથી.જો તે ખેડૂતો,યુવાનો, બેકારી, રોજગારી અને શિક્ષણની વાત કરે તો આપણે તેના વિશે વિચારવું જોઇએ.

ભાજપ છેલ્લા 25 વર્ષથી અને ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો પર અત્યાચાર કરે છે.તેથી ભાજપ સરકાર વિરૂદ્ધ લડવું પડશે.આપણે ભાજપના દુશ્મન નથી કે ભાજપ આપણું દુશ્મન નથી. આપણી લડાઇ અહંકારી સામે અધિકારની લડાઇ છે.7-12ની નકલમાં નથી લખ્યું કે,ગુજરાત ભાજપનું છે.ગુજરાતમાં ભાજપની સામે વિપક્ષ જરૂરી છે.
હાર્દિકે આક્ષેપ કરતાં કહ્યું કે,ભાજપે પાટીદાર મતો ફંટાય તે માટે 200 કરોડ રૂપિયા ફાળવ્યા અને પાસ આગેવાનોને અપક્ષ ઉમેદવાર બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.50-50 લાખ રૂપિયા આપી ભાજપ અપક્ષ ઉમેદવારો ઉભા કરવા તથા 1 મત માટે 1000 રૂપિયાની પાસના કન્વિનરોને ઓફર કરી રહી છે.
હાર્દિકે કહ્યું કે,તે વેચાતો માલ હોવાની વાતો થાય છે.જો તે વેચાતો માલ હોત તો તે જ્યારે જેલમાં હતો અને કે.કૈલાસનાથે 1200 કરોડની ઓફર આપી હતી તે સમયે વેંચાય ગયો હોત.
હાર્દિકે કહ્યું કે,પાટીદારોએ જોવું પડસે કે,તેમનો મત નકામો ન જાય.જે તમારી વાત સાંભળે તેને તમારો મત આપો.