'ઓખી'એ ગુજરાતની ઘરતી પર પગલાં પાડ્યા,ગુજરાત આખું વાદળે ઢંકાયું,ઠંડો પવન,અનેક શહેરોમાં છાંટા-ઝરમર
સમુદ્રી વાવાઝોડું 'ઓખી' આવી રહ્યું છે.સમગ્ર ગુજરાતને વરસાદી વાદળોએ ઢાંકી દીધું છે.ઠંડા પવન વહેવા શરૂ થયા છે.રાજ્યના દરિયાકાંઠાના શહેરો-ગામડાઓમાં ક્યાંક હળવા છાંટા,ક્યાંક ઝરમર વરસાદ થયો છે અને થઇ રહ્યો છે.વાવાઝોડું ત્રાટકે તે માટેની બધી તૈયારી હવામાનમાં દેખાય રહી છે.આજે મધરાતે 'ઓખી' સુરતના દરિયામાં પહોંચી જમીન પર પણ સૂસવાટા બોલાવશે તેવી આગાહી છે.
'ઓખી'ના આગમન પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓના ગામડા અને શહેરોમાં વરસાદ શરૂ થયો છે.આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ,આણંદ,ગાંધીનગરમાં પણ ઝરમર વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાને કારણે સંભવિત જાન-માલના નુકસાનની સ્થિતિને પહોંચી વળવા બચાવ અને રાહત કાર્ય માટે એનડીઆરએફની ટીમો ખડે પગે છે. સુરત, નવસારી, ભાવનગર, વડોદરા,અમરેલી, રાજકોટમાં NDRFની ટીમોને નિયુક્ત કરી દેવામાં આવી છે.અમરેલીના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદમાં મોડીરાતથી સતત છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે.વરસાદના કારણે ઠંડીનો ચમકારો પણ વધી ગયો છે.રાજકોટ જિલ્લાના ગોંડલામાં પણ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.તો આ તરફ તિથલમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.ગીરસોમનાથમાં વહેલી સવારથી ઝરમર વરસાદ થરૂ થયો છે.સુરેન્દ્રનગર, વઢવાણ,ધ્રાંગધ્રા,લીંમડી સહિતનાં તાલુકાઓમાં સવારથી વરસાદી વાતાવરણ છે.

નવસારી શહેર અને જિલ્લામા સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.52 કીમીના દરિયાકિનારા ના 17 ગામોને એલર્ટ કરી દેવામા આવ્યા છે. અને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની બે ટીમો પણ તૈનાત કરવામા આવી છે.જરૂર પડે તો શાળાઓમાં રજા જાહેર કરવાની શાળા સંચાલકોને તંત્રએ તાકીદ કરી છે.