India / gujarath
લોકશાહીનું મહત્વ અને માહાત્મ્ય...એક મતદાર માટે મતદાન મથક,બાણગંગા તીર્થ,ગીર-સોમનાથ
11:43 AM on 13th November, 2017

લોકશાહીનો આત્મા છે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રાણ-શ્વાસ છે લોકમત એટલે કે,મતદાન એટલે કે,ચૂંટણી. આઝાદ ભારતના 70 વર્ષથી લોકશાહી ટકી રહી છે અને જીવંત છે તો ન્યાયતંત્ર અને ચૂંટણી પંચને કારણે,નહીં કે,સરકારોને કારણે.લોકશાહીમાં નાગરિકના એક મતનું મહત્વ પુરી સરકાર કરતાં પણ વધુ છે કારણ કે,એક મત સત્તા અપાવે છે અને સત્તા ઝૂંટવે પણ છે.

 

દુનિયાના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં ચૂંટણી પંચ અને જાગૃત મતદાતા એક મતનું મહત્વ અને મૂલ્ય સમજે છે.ચિંતાની વાત એ છે કે, રાજકીય પક્ષો નાગરિકના મતની કિંમત સમજે છે પણ મૂલ્ય નહીં અને માટે જ ક્યારેક જાતિ અને જ્ઞાતિના નામે,ક્યારેક દારૂ-સાડી-વાસણો-રોકડા રૂપિયા આપી મતોની ખરીદી કરે છે અને આ માટે અજાગૃત નાગરિકોને ગ્રાહક કે શિકાર બનાવે છે.

ખૈર...આજે વાત કરવાની છે એક મતદાતા માટેના મતદાન મથકની.ગીર ગઢડાના જંગલમાં એક તીર્થ સ્થાન છે બાણગંગા તીર્થધામ.આ તીર્થધામ તાલાલા વિધાનસભા બેઠક હેઠળ આવે છે.આ તીર્થધામમાં 60 વર્ષના મહંત ભરતદાસજી રહે છે.અહીં ભરતદાસજી મહારાજ એકલા જ મતદાર છે.તેમના માટે દરેક ચૂંટણીમાં રીતસરનું મતદાન મથક ચૂંટણીપંચ ઉભું કરે છે.

 

 

ચૂંટણીપંચનો નિયમ કહે છે કે,મતદારના ઘરની બે કિલોમીટરની ત્રિજ્યામાં મતદાન મથક હોવું જોઇએ.મહંત ભરતદાસ મહારાજ માટે 8 કર્મચારીની ટીમ 35 કિલોમીટરનો પ્રવાસ કરી ગીરના જંગલમાં જાય છે.જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિતનો 8 કર્મચારીઓનો સ્ટાફ હોય છે જે સવારથી સાંજ સુધી મતદાન મથક પર હાજર રહીને ફરજ બજાવે છે.મહંત ભરતદાસજી પણ તેમના માટેના આ ખાસ મતદાન મથક પર પહોંચી અચૂક મતદાન કરે છે.

ચૂંટણીપંચ એક મત માટે જંગલો-નદી-નાળા ખૂંદે છે અને રાજકીય પક્ષોના નેતાઓ ઘરે બેઠા સેંકડો-હજારો મતો ખરીદી લે છે. લોકશાહીના પ્રાણ-શ્વાસ એવા મૂલ્યવાન મતો રાજકીય પક્ષોના હાથમાં-તરફેણમાં-સમર્થનમાં જઇ શાસનનું કલંક બની જાય છે....છતાં લોકશાહી જીવે છે...અને તે જ લોકશાહી છે,.

 
 

Read Also

 
Related News