India / gujarath
ગુજરાતમાં પાટીદાર ચૂંટણી છે કે,વિધાનસભા ચૂંટણી ? પાટીદાર મતો તો માત્ર 16 ટકા જ છે, બાકી 84 ટકા મતો મામલે કોંગ્રેસ અને ભાજપનો વધુ પડતો આત્મ વિશ્વાસ છે, અવગણના છે કે આ મતો રામ ભરોસે છે ?
12:41 PM on 09th November, 2017

ગુજરાતમાં પાટીદાર ચૂંટણી હોય તેવું લાગી રહ્યું છે.કોંગ્રેસ અને ભાજપ બન્ને પાટીદારોને મનાવવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે.જાણે બીજા કોઇ મતદારો છે જ નહીં.પાટીદારોના મતોની માળા જપતા ભાજપ અને કોંગ્રેસ અન્ય વર્ગોના મતોને હળવાશથી લઇ રહ્યા છે,ભૂલી રહ્યા છે કે,આ મતો તો પોતાના જ છે તેવા વધુ પડતા આત્મવિશ્વાસમાં છે ? 

ગુજરાતના કુલ મતદારોમાં 52 ટકા OBC મત છે અને 16 ટકા મત પાટીદારોના છે.11 ટકા આદિવાસી,7 ટકા દલિત,9 ટકા મુસ્લિમ અને 5 ટકા સવર્ણો મત છે.પાટીદારોને બાદ કરતાં 84 ટકા મતો અન્ય વર્ગોના છે.આ 84 ટકા મતોને મેળવવા ભાજપ અને કોંગ્રેસ શું પ્રયાસ કરે છે તે ખબર નથી પડતી.

16 ટકા પાટીદારો અને 7 ટકા દલિત મતો કોંગ્રેસને મળે તેવો પ્રયાસ હાર્દિક અને જિગ્નેશ કરશે અને 52 ટકા OBC મત કોંગ્રેસને મળે તવો પ્રયાસ અલ્પેશ ઠાકોર કરશે.હાર્દિક,જિગ્નેશ અને અલ્પેશની વાત પાટીદારો,દલિતો અને OBC માની લે તો કોંગ્રેસની સરકાર બનવાની શકયતાને નકારી ન શકાય.કોંગ્રેસે તો આ ત્રણેય યુવા અગ્રણીઓને પોતાના તરફે કરી લીધા પણ આ ત્રણેય યુવા અગ્રણીઓની જ્ઞાતિ-જાતિ સમૂહ તેમના તરફે રહેશે જ તેવું માની લેવું યોગ્ય હશે ?

 

પાટીદારોમાં બે ભાગ છે,કડવા અને લેઉઆ.જેમાં કડવા પાટીદાર 40 ટકા અને લેઉઆ પાટીદાર 60 ટકા છે.અગાઉની ચૂંટણીઓમાં કોંગ્રેસને વધુ સમર્થન અને વધુ મતો લેઉઆએ જ આપેલા છે.હાલની ગુજરાત સરકારમાં 7 પાટીદાર મંત્રી છે.જેમાં કડવા પટેલ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી છે અને લેઉઆ પટેલ જીતુ વાઘાણી ભાજપના પ્રદેશ પ્રમુખ છે.

કોંગ્રેસે તો ત્રણ મત બેંક પાટીદાર,દલિત અને OBCના અગ્રણીઓને પોતાના પક્ષે લઇ લીધા છે.ભાજપ પાસે કોઇ મોટી મત બેંકો હોવાનું ચૂંટણી ચિત્રમાં નથી દેખાતું.ભાજપે બધા વર્ગ સમૂહો,જાતિ-જ્ઞાતિઓમાંથી ટુકડો ટુકડો ભાગ પડાવી કોંગ્રેસ કરતાં વધુ મતો અને બેઠકો મેળવવાની કાળી મહેનત કરવાની છે.

ચૂંટણી પરિણામો કોને સત્તા અપાવે છે તે તો સમય કહેશે પણ જે પરિણામો આવશે તે બન્ને પક્ષ માટે નવી રાજનીતિના પાઠ ભણાવનારા હશે તે નક્કી.જે પક્ષ જીતશે તેના માટે સત્તા અને શાસન અગ્નિપરીક્ષા હશે તો જે પક્ષ હારશે તેના માટે આ પરિણામ નર્કની આગ હશે.

 
 

Read Also

 
Related News