India / gujarath
સાબરમતીના કિનારે આ પણ એક 'ગાંધી' ! રાહુલના આક્ષેપ અને અપેક્ષાઃચાર-પાંચ ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે મોદી,મીડિયા પર મોદીની છાંયા છેઃ મોદીની ટીકાથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની જ જશે ? કોંગ્રેસને બીજું કંઇ કરવા જેવું નથી લાગતું ? સિવાય મોદીની ટીકા ? રાહુલ અંતે તો વાતો તો એ જ કરે છે ને...લોકોના અચ્છે દિનની ?
12:08 PM on 05th September, 2017

વેલડન રાહુલ...! કંઇક તો નવું કરવા માટે...! ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી  અમદાવાદ આવ્યા અને કોંગ્રેસના કાર્યકરો તથા સમાજના વિવિધ ક્ષેત્રોના લોકો સાથે હરતા-ફરતા જીવંત સંવાદ કર્યો...! જો કે,સાચા અર્થમાં આ સંવાદ ન હતો..કારણ કે,રાહુલે લેખિત સવાલોના જવાબ આપ્યા...સીધો સંવાદ તો ન કર્યો.

રાહુલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ પહેલાનો પ્રારંભ હતો.રાહુલે બે-ત્રણ બાબતો સ્પષ્ટ કરી પક્ષના અને પક્ષ બહારના નેતાઓને સંદેશ આપ્યો...

 

 

(1) પક્ષમાં રહી પક્ષને ચૂંટણીમાં હરાવનારને માફ કરવામાં નહીં આવે

(2) ચૂંટણી સમયે જ પક્ષમાં આવનાર નેતાઓને ટિકિટ નહીં મળે

(3) ટિકિટનો નિર્ણય બહુ ઝડપથી-જલ્દી કરવામાં આવશે

(4) પાયાના કાર્યકરને ટિકિટમાં પહેલી પસંદગી

રાહુલે મોદીની ટીકા કરી.દેશના ચાર-પાંચ મોટા ઉદ્યોગપતિઓ માટે જ મોદી કામ કરતા હોવાનો આક્ષેપ રાહુલે કર્યો અને તે માટે ટાટા અને નેનોનું ઉદાહરણ આપ્યું.દેશના ચાર-પાંચ ઉદ્યોગપતિઓ જ દેશ ચલાવતા હોવાનું પણ રાહુલે કહ્યું.

રાહુલે કહ્યું કે,દેશનું મીડિયા મોદીને જ મહત્વ આપે છે.તેમના કહેવાનો અર્થ એ હતો કે,દેશનું મીડિયા મોદીના હાથમાં વેંચાય ગયું છે.બોલવામાં ભૂલ થઇ હોવાનું લાગતા પછીથી રાહુલે સુધાર્યું કે,બધા મીડિયા એવા નથી,પણ જે બોલાયું તે રેકર્ડ થયું.

કોંગ્રેસ હવે નવી મતબેંક ઉભા કરવા પ્રયાસ કરી રહી છે.જો કે,તેની એક સમયની મતબેંક એટલે કે,ગરીબ-આદિવાસી તો રાહુલની સ્પીચમાં હતા જ પણ હવે ખેડૂતોનો અને નાના તથા મધ્યમવર્ગના દુકાનદારો,વેપારીઓનો પણ રાહુલ વારંવાર ઉલ્લેખ કરે છે અને લઘુમતિઓ (મુસ્લિમ)નો ઉલ્લેખ બિલકુલ નથી કરતા.ગુજરાતમાં ખેડૂતોનો છુપો અર્થ છે પાટીદારો.

રાહુલે તેમના સંવાદ કાર્યક્રમમાં ગુજરાત લક્ષી મુદ્દાઓ,સમસ્યાઓનો ઉલ્લેખ કરવો જોઇતો હતો.ગુજરાતના વિકાસ માટે કોંગ્રેસનો રોડમેપ અથવા નક્કર આયોજનની માહિતી લોકોને આપવી જોઇતી હતી પણ તેઓ આ બાબત ચુકી ગયા.

મોદીનું ગુજરાત મોડલ નિષ્ફળ રહ્યાનું રાહુલે કહ્યું...પણ તેમણે દાખલા અને દલીલો તથા આંકડા સાથે આ આક્ષેપ સાબિત કરવો જોઇતો હતો અને તો જ તેમનું કહેવું સફળ હોત.

જો મોદીનું વિકાસ મોડલ અસફળ રહ્યું તો કોંગ્રેસનું ગુજરાતનું વિકાસ મોડલ શું છે તે પણ રાહુલે વિગતવાર કહેવું જોઇતું હતું પણ ન કહ્યું.

હરતા-ફરતા કે ચાલતા ચાલતા કે એક જગ્યાએ ઉભા રહીને....રાહુલ ગમે તે રીતે બોલે..લોકોને કે સાંભળનારને શું ફરક પડે છે અથવા તો શું ફરક પડ્યો ? ગુજરાતની જનતા,ગુજરાતનો નાગરિક,ગુજરાતનો મતદાર ભાજપને બદલે કોંગ્રેસને જ મત આપવાનો દ્રઢ નિર્ણય કરી લે તેવું કશું કહેવામાં કે કરવામાં રાહુલ અને રાહુલના સલાહકારો બહુ ખરાબ રીતે અસફળ રહે છે...ગઇકાલે પણ અસફળ રહ્યા.

ઉભા રહીને બોલવાને બદલે ચાલતા ચાલતા બોલવાથી લોકોના મત મળી જવાના ?

કાર્યક્રમનું નામ સંવાદ પણ જેમાં જીવંત સંવાદ જ ન હોય તો ?

સંવાદનો અર્થ રાહુલનું ચાલચા ચાલતા બોલવું તે ?

 

માત્ર રાજ્યસભાની ચૂંટણી...અને તે પણ શક્તિસિંહની સતર્કતાને કારણે જીતી જવાથી કોંગ્રેસ ગુજરાતમાં ફરી સરકાર બનાવશે તેવું માની લેવું રાહુલ અને કોંગ્રેસનો મોટામાં મોટો ભ્રમ છે.

ગુજરાત હાથવગું કરવું હશે અને ગુજરાતમાં ફરી સત્તા જોઇતી હશે તો કોંગ્રેસે જડમૂળથી બદલવું પડશે.હવે જુની કોંગ્રેસ નહીં ચાલે.હવે ભાજપ સ્તરની અને કક્ષાની અને ભાજપ કલ્ચરની કોંગ્રેસની જરૂર છે.

કોંગ્રેસે મોદીથી સવાયો અથવા તો મોદી સમકક્ષ નેતા શોધવો પડશે જે મોદીના વ્યક્તિત્વ,મોદીની વકતૃત્વકળા,મોદીની શૈલીને ટક્કર આપે તેવો નેતા કોંગ્રેસે શોધવો પડશે અથવા તો તૈયાર કરવો પડશે.અમિત શાહ જેવો સંગઠનનો ઉસ્તાદ અને તોડજોડનો ચાણક્ય પણ કોંગ્રેસે શોધવો પડશે અથવા તો તૈયાર કરવો પડશે.

રાહુલના ભાષણો કે, રાહુલ કીટલી પર ચ્હા પીવે તેથી ચૂંટણી નહીં જીતી શકાય.દેશની જનતા પર મોદીનો ગાઢ પ્રભાવ છે.આ પ્રભાવને એક જ ઝાટકે ધોઇ નાંખવો કે,ભૂંસી નાંખવો તે શક્ય જ નથી.કોંગ્રેસની આ સૌથી મોટી ભૂલ છે.લોકોના મન પરથી મોદીનો પ્રભાવ દૂર ન જ કરી શકાય તેવું નથી પણ તે માટે સમય લાગે અને કોંગ્રેસ પાસે સમય હતો...મોદી લોકસભા ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન પદના શપથ લીધા તે દિવસ અને તે ક્ષણથી જ કોંગ્રેસે માથું ઉંધુ ઘાલીને આકરી મહેનત અને કાળી મજૂરી કરી હોત તો આજે તેની મહેનત અને મજૂરી થઓડી તો પાકી હોત અને ફળ આપી જાત...પણ કોંગ્રેસની મહેનત,દીર્ઘદ્રષ્ટિ,ચતુરાઇ,મુત્સદ્દી,રાજનીતિ એટલે મોદી અને ભાજપ પર આક્ષેપ અને તે પણ દમ વિનાના અને તે પણ રાહુલના મોઢે અથવા તો પ્રવક્તાઓને મોઢે...જેની અસર સવારથી સાંજ સુધી પણ ન રહી...!

વાત ગુજરાત કોંગ્રેસની તો...ગુજરાત કોંગ્રેસમાં તો કોઇ લોકનેતા છે જ નહીં...ભારત સોલંકી અને મોઢવાડિયા વ્યક્તિગત રીતે નગરપાલિકા સ્તરના નેતા છે અને નગરપાલિકાની ચૂંટણી જીતવા પણ તેમને તનતોડ અને ધનછોડ મહેનત કરવી પડે અને તો જ જીતે તેવા તેમના વ્યક્તિત્વ અને પ્રભાવ છે.શક્તિસિંહનો કોંગ્રેસ અથવા તો રાજનીતિથી મોહભંગ થઇ ગયો હોવાનું લાગી રહ્યું છે.તેઓ અનિચ્છાએ અને કદાચ જબરદસ્તી પોતાને કોંગ્રેસમાં અને રાજનીતિમાં હાજર રાખી રહ્યા છે.

રાહુલ ગાંધી જો કોંગ્રેસના અધ્યક્ષ બનવાના હોય તો તેમણે સમજી લેવું જોઇએ કે,ઘરમૂળથી પરિવર્તન અનિવાર્ચ છે.વ્યક્તિત્વને તો કપડાં-લતા,હેરસ્ટાઇલથી બદલી શકાય પણ અસ્તિત્વને બદલવું તે જાતે પોતાનું ગર્ભધારણ કરવું અને જાતે પોતાને જન્મ આપવા જેવી કઠીન અને અત્યંત પીડાદાયક વાત છે.અસ્તિત્વની ચામડી ચીરવી પડે છે.સંસ્કાર ભૂલવા પડે છે.અહંકાર તોડવા પડે છે.હું ને છોડવા પડે છે.અત્યાર સુધી જે મળ્યું તે ભૂલી જવું પડે છે..જો આ પીડા સહન કરી શકાય તો સુખ મળવું તે નિશ્ચિત છે...આ બધું કોણ કરશે રાહુલ ? તેને જ કરવું પડે...તે જ તો કોંગ્રેસનું બચેલું,બાકી રહેલું એક માત્ર મૂળ છે....મૂળ બદલશે તો વૃક્ષ બદલશે...!


 
 

Read Also

 
Related News