India / gujarath
રાહુલે ગાંધીનગર અક્ષરધામમાં દર્શન કર્યા,સંતે તિલક કર્યું, સંતો તો સમદ્રષ્ટા હોય છે, કાલે મોદી હતા,આજે રાહુલઃ આશીર્વાદ જન-જગત કલ્યાણના હોય,જય-પરાજયના નહીં !
12:23 PM on 11th November, 2017

હજુ હમણાં જ થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન મોદી ગાંધીનગર અક્ષરધામ મંદિર ગયા હતા.ત્યાં ભગવાનના દર્શન કર્યા અને સંતોના આશીર્વાદ લીધા.આજે રાહુલ ગાંધી અક્ષરધામ ગયા,ભગવાનના દર્શન કર્યા અને સંતોના આશીર્વાદ પામ્યા.સંતોના આશીર્વાદ લીધા પછી મોદીએ કહ્યું હતું કે,સંતોના આશીર્વાદ સાથે છે હવે કોઇ ભય નથી.રાહુલ આવું કંઇ ન બોલ્યા.

પંડિત નહેરૂના સમયથી હમણા સુધી એટલે કે,ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઇ તે પહેલા સુધી કોંગ્રેસની છાપ લઘુમતી તુષ્ટિકરણની હતી તે છાપ રાહુલે તેમની ગુજરાતની હાલની પહેલી મુલાકાતથી દૂર કરવાની શરૂઆત કરી,દ્વારકાધીશના મંદિરમાં નાની પૂજા કરી,માથે તિલક કરી,ગળામાં માળા ધારણ કરીને.પછી તો તેઓ ચોટીલા માતાજીના દર્શને કર્યા અને એક સાથે બધા પગથિયા પણ ચઢી ગયા.

 

 

હિંદુ મંદિરોમાં દર્શને જવાનો ક્રમ આગળ વધતો રહ્યો.ખોડલધામ,સંતરામ મંદિર,કબીર મંદિર અને હવે અક્ષરધામ મંદિર.સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શન કરી અને હવે અક્ષરધામ જઇ રાહુલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે,તેમના નાના પંડિત નહેરૂ,તેમની દાદી ઇંદિરાજી અને તેમના પિતા રાજીવ ગાંધીના સમયની લઘુમતી તુષ્ટિકરણની નીતિને તેમણે ફગાવી દીધી છે.ખાસ ધ્યાન ખેંચનારી વાત એ પણ છે કે,ગુજરાતની હાલની તેમની મુલાકાતો દરમિયાન તેમણે એકપણ વાર મુસ્લિમોનો ઉલ્લેખ નથી કર્યો.અરે,લઘુમતી શબ્દ પણ તેઓ નથી બોલ્યા.

 

 

ભાજપના કટ્ટર હિંદુત્વને તેઓ કોમળ હિંદુત્વથી જવાબ આપી રહ્યા છે.હિંદુઓ ભાજપની મિલક્ત નથી તેવો સંકેત મોદીને આપી રહ્યા છે તો ગુજરાતની જનતાને પણ સંદેશ આપી રહ્યા છે કે,તેઓ હિંદુઓ સાથે છે.હિંદુ છે અને હિંદુઓથી તેમને કોઇ છોછ નથી.શિક્ષિત, સમજુ,નિષ્પક્ષ,પરિપક્વ અને કટ્ટરતાના જોખમોને સમજતા મતદારને રાહુલનો આ સંદેશ સમજાયો હશે તો તે કોંગ્રેસના ફાયદામાં રહેવાનું માની શકાય.હવે ચિંતાની વાત એ છે કે,રાહુલનું આ વલણ અને પરિવર્તન ગુજરાત કોંગ્રેસના કેટલા નેતાઓ સમજી અને પચાવી શકશે અને આચરણમાં પણ મૂકી શકશે.કારણ કે,કોંગ્રેસને સત્તા કે સારી સંખ્યામાં બેઠકો અપાવી રાહુલ તો દિલ્લી જતા રહેશે.મોદી ગયા પછી ગુજરાતમાં ભાજપની જે સ્થિતિ બની તેવી જ સ્થિતિ કોંગ્રેસની પણ નહીં બને તેની ગેરન્ટી કોઅ આપશે ? જો કોંગ્રેસ શાસનમાં આવે અને જો એકાદ પણ કોમી તોફાન થાય તો.કોંગ્રેસનો વિજય જ ભાવિ પરાજય બની જશે.સત્તા મળે તો કોંગ્રેસે પહેલું કામએ કરવું પડશે કે,બીજા વચનો ભલે મોડા અમલી બનાવે,એક પણ,નાનું સરખું પણ કોમી તોફાન ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.


 
 

Read Also

 
Related News